"પદમાવતી"
હમણાં હમણાં આ ફિલ્મ ના વિરોધ નું ધુપ્પલ આખા દેશમાં ચાલી રહ્યું છે. જેને સમજાઈ છે એ પણ ધોકા-લાકડી લઈને નીકળી પડે છે અને જેને નથી સમજાતું એ પણ તલવાર લઈને નીકળી પડે છે. એક વાત બધા એ સમજી લેવાની જરૂર છે કે ફિલ્મ એ મનોરંજન ઉપરાંત સર્જકતાનું, સર્જનતાનું માધ્યમ છે. એમાં કોઈ એ પણ પોતાની લાગણી કે ધર્મ કે જાતિ નો ઉપાડો લઈને ધમાલ-ધમકી કે અરાજકતા ની સ્થિતિનું નિર્માણ થાય એવું કરવું જોઈએ નહિ. હા, વાંધાજનક હોય તો તેનો વિરોધ શાલીનતાપૂર્વક પણ થઇ જ શકે છે પણ આપણા લોકોની માનસિકતા જ હવે ધમાલ-હાકોટા-પડકાર કરીને અરાજક પરિસ્થિતિનું નિર્માણ થાય એવી બનતી જાય છે. બધા જ એવું માનતા થઇ ગયા છે કે જો આપણે દાદાગીરી કરશું તો જ સામે વાળો આપણી વાત માનશે. ધમાલ કરીને દબાણ કરીને પોતાની વાત બળજબરીપૂર્વક મનાવવામાં શૂરવીરતા સાબિત કરવાની હોંશ કે જોશ તેમજ પોતાના જ સમાજમાં સહેલાઈથી છાકો પાડી દેવાની, વટ જમાવવાની નેતા બની જવાની કુટિલ માનસિકતા સામેલ હોય છે.
ફિલ્મ સર્જક એક આસાન ટાર્ગેટ હોય છે આવી બાબતોમાં કારણકે તેઓ રાજકારણી જેવી તાકાત કે પાવર ધરાવતા હોતા નથી, એમને સરકાર ના ખર્ચે સુરક્ષા મળતી નથી, એમણે પોતાની તેમજ પોતાના માણસોની સુરક્ષાનો ખર્ચો જાતે જ ઉપાડવાનો હોય છે. ઉપરાંત તેઓ ગુંડાગીરી પણ કરી સકતા નથી કારણકે તેઓ સર્જક છે, સંહારક નથી. બાકી સંજય લીલા ભણસાલી એટલો મુરખો કે નપાવટ નથી કે એ એવી ફિલ્મ બનાવે જેનાથી હિંદુઓ જ નારાજ થાય. કારણ સીધું અર્થ-ઉપાર્જન નું છે. પૈસા રળવાનું છે, પૈસા કમાવવાનું છે જેના માટે ફિલ્મ બનાવવામાં આવે છે. કોઈ પણ સર્જક આ વાત સારી રીતે સમજે છે કે ભારત દેશ માં કોઈપણ ફિલ્મ ને સફળ બનાવવાની કે નિષ્ફળ બનાવવાની તાકાત અને ક્ષમતા હિંદુઓ પાસે જ છે. જે હિન્દુઓએ "પીકે" જેવી હિન્દૂઓ ની અંધશ્રદ્ધા કે શ્રદ્ધા પર ચોટ કરતી ફિલ્મ ને પણ જબરજસ્ત હિટ કરી હતી.(મેં પીકે જોઈ જ નથી) એટલે ભણસાલી પણ એવું નહિ જ કરે કે ફક્ત મુસ્લિમ દર્શક ને જ નજર માં રાખીને ફિલ્મ બનાવે. હકીકતમાં "પદમાવતી" નો વિરોધ એ પણ ફિલ્મના વિરોધ કરવા જતા હિન્દૂ-મુસ્લિમ ના વિરોધ કરવાનો અખાડો વધુ બની ગયો છે, જેમાં ગુજરાત ની ચૂંટણી ને કારણે બંને પક્ષો એ પોતાના ખાંભીયા ઉભા કાર્ય હોય તેવું લાગે છે.
બાકી રાજપૂતો કે દરેક હિન્દુઓએ સમજી લેવાની જરૂર છે કે આ દેશમાંથી મુસલમાનો ને ભગાવવાની તાકાત આપણા માં નથી જ નથી તેમજ  આ દેશમાંથી હિંદુઓને ભગાવવાની તાકાત પણ મુસલમાનો માં ક્યારેય આવવાની જ નથી એટલે આવી વાહિયાત વાતો કરીને દેશનું વાતાવરણ પ્રદુષિત કરવાની જરૂર નથી. બંને પક્ષે આવા ૨-૫% જ તત્વો છે.
જ્યાં સુધી સર્જકતા નો સવાલ તેમજ ફિલ્મ જોડે જોડાયેલા વિવાદ નો સવાલ છે તો ફિલ્મ ને રિલીઝ થવા દો અને જો હિંદુઓ જોવા જ નહિ જાય તો જે નુકસાન અને પાઠ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણશે અને ભણશે એ તમારા આક્રમકઃ વિરોધ કરતા વધારે ચોટદાર હશે. અને મહેરબાની કરીને સર્જકતા અને સર્જનતા ને અસર કે કુંઠિત કરતી પ્રવૃત્તિઓ બંધ કરી દો, નહિ ભવિષ્યમાં કોઈ પણ સર્જક એવા વિષય જ હાથમાં નહિ લેશે જેનાથી સમાજમાં સારી અસર થતી હોય.

આ દેશમાં મેહબૂબ ખાન જેવા સર્જક પણ થયા છે જેમના દરેક ફિલ્મની શરૂઆત મહાદેવની મૂર્તિના દર્શનથી હતી હતી, મોહમ્મદ રફી, શકીલ બદાયુની તેમજ નૌશાદ જેવા મુસ્લિમ સર્જકો નું અદભુત ભજન 'મન તરપત હે દર્શન કો હરિ આજ' કે સુરેશ વાડકર, અંજાન અને કલ્યાણજી આનંદજી જેવા હિન્દૂ સર્જકો નું અદભુત સર્જન 'તું હે કમાલ મૌલા' પણ યાદ કરી લેજો. અરે દૂરની વાત જવા દો હમણાં જ આવેલી સલમાન ખાન અને કબીર ખાન જેવા મુસ્લિમ ની "બજરંગી ભાઈજાન" યાદ કરો જેમાં હિન્દૂઓના પ્રિય ભગવાન હનુમાનજી ની જ પ્રશંશા કરવામાં આવી છે. આ ફિલ્મ ને પણ લવ-જેહાદ ના નામે ઉતારી પાડવાની કોશિશ થઇ જ હતી.   NAMAN MUNSHI 24-11-17

Comments

Popular posts from this blog

Sun Rise In Life - Anupam Kher

Sun Rise In Life - Barack Obama

Being Prime Minister of India - Atal Bihari Vajpayee