સમસ્ત પાટીદારો તેમજ ગુજરાતની પ્રજા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે જ મુખ્ય પક્ષો વચ્ચે સ્પર્ધા રહેવાની શક્યતા છે કારણકે ગુજરાતમાં ત્રીજા પક્ષનું ટ્રેડિશન નથી. હા, થોડાક અંશે આમ આદમી પાર્ટી ની નોંધ લેવી પડશે.

એક ગુજરાતી તરીકે હું સમસ્ત પાટીદારો અને ગુજરાતની પ્રજાને આગ્રહભરી વિનંતી કરું છું કે ---

પાટીદારો, તમને ૫ કે ૧૦% અનામત મળે તેમાં ગુજરાતની અન્ય ઉચ્ચ જ્ઞાતિઓને તેમજ અન્ય કોઈપણ બીજી પ્રજાને કોઈપણ પ્રકારે વાંધો નથી. પરંતુ મેહરબાની કરીને ૫-૧૦% અનામત માટે ગુજરાતની ઘોર ખોદવાનું કાર્ય કરતા નહિ. તમારા ટૂંક સમયના આવેગ અને ગુસ્સાને લીધે જો ગુજરાતમાં કોંગ્રેસ કે આપ પાર્ટીનું રાજ આવી જશે તો સરવાળે સૌથી વધારે નુકસાન પાટીદારોને જ થશે ...કારણકે....

). કોંગ્રેસ કે આપ પાર્ટી બંનેની બંધારણની ઉપરવટ જઈને અનામત આપવાની તાકાત નથી જેનું ઉદાહરણ, અન્ય રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જ લઘુમતીને આપવામાં આવેલ અનામત ને સુપ્રીમ કોર્ટે કેન્સલ કરી જ નાખી છે. આ પક્ષો દ્વારા અનામત બાબતે અપાતા વચનો ભ્રામક અને છેતરામણા જ સાબિત થવાના છે.

). કોંગ્રેસ અને આપ પાર્ટીના સાસનથી આપણે સારી રીતે વાકેફ છો જ. જાણકાર પણ છો જ. જો કોંગ્રેસ રાજ્યમાં આવશેતો એ ગુજરાતના તમામ ધંધા-રોજગારની ગાડી પાટા પરથી ઉતારી પાડશે કારણકે તે ભારતીય જનતા પાર્ટીથી ઉલ્ટી દિશા જ પકડશે જેને લીધે વધુ નુકશાન પાટીદારોને જ થવાની સંભાવના છે કેમકે આજે ગુજરાતમાં દરેક ધંધા-ઉદ્યોગમાં પાટીદારોનું આગવું સ્થાન છે, તેમજ મહત્વ છે. ગુજરાતના વિકાસમાં પાટીદારોનો હિસ્સો કે ભાગીદારી ખુબ જ વધારે છે. એટલે ફક્ત અનામતની જીદને કારણે ભાજપ ને પછાડવાની ભૂલ કરવા જેવી નથી. આ અનામત આંદોલન ને કારણે જ પાટીદાર મુખ્યમંત્રી ગુમાવવાનો વારો આવ્યો છે.

).  જ્યાં સુધી હાર્દિક પટેલ ની વાત છે તો સમજી લેવું જોઈએ કે હાર્દિકની દિશા, હેતુ અને મહત્વાકાંક્ષા બદલાઈ ગયા છે. પાટીદારોને અનામત અપાવવાની વાતથી શરૂઆત કરનાર હાર્દિકની લાલચ અને મહેચ્છા ગુજરાત રાજકારણ ના અરવિંદ કેજરીવાલ બનવાની થઇ ગઈ છે. જે લોકો હાર્દિકને ટેકો આપવાની વાત કરે છે તેમને વિનંતી કે તેઓ હાર્દિકને ફક્ત એટલું પૂછે કે શું પાટીદારોને અનામત મળી જાય તો હાર્દિક ઘરે બેસી જશે? શું હાર્દિક અન્ય આંદોલન કે રાજકારણ રમવાનું છોડી દેશે?
ખરેખર તો હાર્દિક પટેલ એ આનંદીબેનની સરળતા કે નબળાઈ કે પાટીદાર તરીકેનો ગર્વીલો સ્વભાવ ની ઉપજ છે બાકી બીજો કોઈ રાજકારણી હોત તો હાર્દિકને હીરો બનવા જ ન દીધો હોત. હાર્દિક આટલી પ્રસિદ્ધિ જ પામ્યો ન હોત.

આમ પણ લાગવગશાહી કે બીજાના હક્ક તફડાવી પાડવાની પરમ્પરા ની શરૂઆત ભારતની આઝાદીની સાથે જ થઇ ગઈ હતી. જો એવું ન હોત તો નહેરુ ના સ્થાને વલ્લભભાઈ પટેલ જ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હોત. જે રાહુલ ગાંધી આજે પાટીદારોના હિમાયતી થઈને ફરે છે એને આ માટે પહેલા પાટીદારો ની માફી મંગાવી જોઈએ.

વળી, એક સવાલ એ પણ મહત્વનો છે કે શું સરદાર વલ્લભભાઈ વડાપ્રધાન બન્યા હોત તો બીજી કોઈપણ વ્યક્તિ ભારતના અનેક રાજ્યો - રજવાડાને એક કરી શક્ય હોત ખરા? બીજા કોઈમાં આવી તાકાત કે આવડત કે સામર્થ્ય હતું ખરું? શું બીજી કોઈ વ્યક્તિ આ કાર્ય કરી શકવા સમર્થ હતી ખરી?

). છેલ્લા ૧ વર્ષથી અલ્પેશ ઠાકોર પણ પોતાની દુકાન ખોલીને બેઠો છે. એ પણ પોતાની રીતે પોતાના સમાજનો આગેવાન બનવાની કોશિશ કરે છે.

ગુજરાતની સમસ્ત પ્રજા એ સમજવાની જરૂર છે તેમજ દરેક જણે આગળ આવીને ખોટી રીતે ચાલતી જાતિવાદી અનામત પ્રથાને "તિલાંજલિ" આપીને આર્થિક રીતે નબળા વર્ગને અનામત મળે તે માટે પ્રયત્નો કરવાની જરૂર છે. જો અનામત ની સવલત મેળવતી જ્ઞાતિઓ જ આની પહેલ કરે તો સમગ્ર ગુજરાતના દરેક વર્ગને ફાયદો થાય તેમજ ગુજરાતમાંથી જાતિપ્રથા નાબૂદ થાય. એટલું જ નહિ પરંતુ ખુદ અનામતનો લાભ મેળવતી પછાત, અતિ-પછાત કે બક્ષી પંચના જ ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિને પણ સાચો ન્યાય અને લાભ મળશે. અત્યારે તો આર્થિક રીતે સમૃદ્ધ અથવા તો અનામતનો લાભ લઈને ડોક્ટર, એન્જીનીઅર કે ઉચ્ચ ઓફિસર બનેલા જ અનામતને નામે ફરીથી લાભ લેવાનું ચુકતા નથી. અને સાચી જરૂરિયાત વાળા વ્યક્તિ વંચિત રહી જાય છે. જો એવું ન હોત આઝાદીના ૭૦ વર્ષો પછી અનામતની જરૂર જ ન રહી હોત.

ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પણ સમગ્ર રાજ્યની પ્રજાને વિશ્વાસમાં લઈને કોઈ એક નીતિ ઘડવાની જરૂર છે જેથી દરેક વર્ગની જરૂરિયાતમંદ વ્યક્તિને અનામતની તક તેમજ લાભ મળી શકે. ફક્ત અહંને કારણે હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર જેવાને હડધૂત કરવાની જરૂર નથી પરંતુ સાથે લઈને રાજ્ય અને દેશને માટે હિતકારત નિર્ણય લેવાની જરૂર છે.

હમણાં હમણાં ગુજરાત સરકાર તરફથી પાટીદારો તેમજ અન્ય ઉચ્ચ વર્ગ માટે સારી પહેલ કરવામાં આવી છે જેને પાટીદાર સમાજ ના અગ્રણીઓએ આવકારી પણ છે ત્યારે પાટીદાર સમાજના યુવાનોએ ફક્ત અનામતને નામે ભ્રમિત કરતા લોકોથી ચેતવાની જરૂર છે અને રાજ્ય તેમજ દેશ ને મજબૂત કરવા દિવસ-રાત મેહનત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાની ખુબજ જરૂર છે.

જો ગુજરાતના લોકો જ એક ગુજરાતી વડાપ્રધાન ને મજબૂત ન કરશે તો કોણ કરશે?

આમ પણ મીડિયા અને ગુજરાતનું એક સમાચારપત્ર ફક્ત મોદીને નકારાત્મક ચિતરવાની જ કોશિશ કરે છે. જરૂર છે આ બધાને જોરદાર જવાબ આપવાની.

Comments

Popular posts from this blog

Sun Rise In Life - Anupam Kher

Sun Rise In Life - Barack Obama

Being Prime Minister of India - Atal Bihari Vajpayee